09/06/2026
વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. શહેર પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કપુરાઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો અને કન્ટેનર મળી કુલ ₹30.59 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે-48 પર તરસાલીથી જામ્બુવા બ્રિજ તરફ જતા માર્ગ પાસે વોરા ગામડી રોડ નજીક એક શંકાસ્પદ કન્ટેનર ઉભું હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.રેડ દરમિયાન અશોક લેલેન્ડ કંપનીનું કન્ટેનર નંબર MH-46-BU-3108 મળી આવ્યું હતું.
પોલીસ પહોંચતા જ કન્ટેનરનો ડ્રાઇવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. કન્ટેનરની તપાસ કરતા પાઇપોના જથ્થાની આડમાં અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના બોક્સ છુપાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.પોલીસે કુલ 11,628 બોટલોનો દારૂ કબજે કર્યો હતો, જેમાં ચાર્લી રિઝર્વ વ્હિસ્કી, રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કી, ઓલ સીઝન્સ ગોલ્ડ કલેકશન રિઝર્વ વ્હિસ્કી અને ગ્રે વુલ્ફ જામુન-એ-મિન્ટ વોડકા જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. દારૂની કિંમત અંદાજે ₹20.59 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ કન્ટેનર પણ કબજે કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે ₹10 લાખ છે.
આમ કુલ મળી ₹30.59 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં કન્ટેનર SUMIT LOGISTIC PVT. LTD., નવી મુંબઈના નામે નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. ફરાર ડ્રાઇવર અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો રવાના કરી છે.
કપુરાઈ પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ સફળ કામગીરી વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપાર અને હેરાફેરી સામે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. 🚨